Jump to content

User:Jyot.book

From Wikipedia, the free encyclopedia

This is an old revision of this page, as edited by Jyot.book (talk | contribs) at 08:30, 15 October 2011 (Srimad Bhagavad-Gita). The present address (URL) is a permanent link to this revision, which may differ significantly from the current revision.

કુરુક્ષેત્રના તીર્થમાં, મળિયા લડવા કાજ,

કૌરવ પાંડવ તેમણે, કર્યું શું કહો આજ.0
કુરુક્ષેત્રના તીર્થમાં, મળિયા લડવા કાજ,
કૌરવ પાંડવ તેમણે, કર્યું શું કહો આજ.1
જોઈ પાંડવ સૈન્યને, રાજા દુર્યોધન
દ્રોણ ગુરૂ પાસે જઈ, બોલ્યો આમ વચન.2
ગુરૂદેવ, સેના જુઓ, પાંડવોની ભારી,
દ્રુપદપુત્ર તમ શિષ્યથી, સજ્જ થઈ સારી.3
અર્જુન ભીમસમા ઘણા યોધ્ધા છે શૂરવીર,
મહારથી યુયુધાન છે દ્રુપદ વિરાટ અધીર.4
પુરુજિત કુંતીભોજ છે, શૈલ્ય શ્રેષ્ઠ ગુણવાન,
ધૃષ્ઠકેતુ ને ચેકિતાન કાશીરાજ બલવાન.5
યુધામન્યુ વિક્રાંત ને અભિમન્યુ રણવીર,
ઉત્તમૌજ દ્રોપદી-તનય સૌ મહારથી વીર.6
હવે આપણા સૈન્યના કહું શ્રેષ્ઠ જનને,
દ્વિજશ્રેષ્ઠ હે, સાંભળો સંક્ષેપ મહીં તે.7
તમે, ભીષ્મ ને કર્ણ છે, સેનાપતિ કૃપ છે,
અશ્વત્થામા વિકર્ણ ને સૌમદત્તિ પણ છે.8
બીજાએ બહુ વીર છે વિવિધ શસ્ત્રવાળા,
યુધ્ધનિપૂણ જીવન મને અર્પણ કરનારા.9
વિરાટ સેના આપણી રક્ષા ભીષ્મ કરે
પાંડવ સેના સ્વલ્પ છે, રક્ષા ભીમ કર.10
બધી તરફથી ભીષ્મની રક્ષા સર્વ કરો,
નિજ સ્થાને ઊભા રહી રક્ષા સર્વ કરો.11
કુરુમાં વૃધ્ધ પિતામહે શંખ વગાડયો ત્યાં,
સિંહનાદથી સૈન્યમાં હર્ષ છવાયો હા!.12
પણવ શંખ આનક અને ભેરી ગોમુખ ત્યાં,
સહસા વાગ્યાં ને થયો ઘોર શબ્દ રણમાં.13
સફેદ ઘોડે શોભતા મોટા રથવાળા,
કૃષ્ણ અર્જુને શંખને દિવ્ય વગાડયા ત્યાં.14
પાંચજન્ય કૃષ્ણે અને દેવદત્ત અર્જુન,

પૌંડ્ર વગાડયો શંખ ને ભીમે લાવી ધૂન.15

કુંતીપુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય વળી
શંખ વગાડયો, શો રહ્યો શબ્દ બધેય ફરી.16
સુઘોષ મણિપુષ્પક ધ્વનિ નકુલ અને સહેદેવ,
તેમ ધ્વનિ કૈંયે કર્યા શંખતણા સ્વયમેવ.17
કાશીરાજ વિરાટ ને દ્રુપદ દ્રૌપદી બાલ,
ધૃષ્ટધુમ્ન અભિમન્યુએ ધર્યા ધ્વનિથી તાલ.18
ખળભળાવતા આભ ને ધરતીને સ્વર એ,
જાણે ઉર કૌરવ તણાં ચીરી પૃથક્ કરે.19
કૌરવની લડવા ઊભી સેનાને જોઇ,
ધનુષ ઉઠાવીને રહ્યો અર્જુન ત્યાં બોલી.20


અર્જુન કહે છેઃ

ઋષિકેશ અચ્યુત હે, રથ મારો રાખો,
બંને સેના મધ્યમાં રથ મારો રાખો.21
લડવા ઊભા સર્વને લઉં જરા જોઈ,
લડવા લાયક કોણ છે લઉં જરા જોઈ.22
દુર્યોધન-હિત ચાહતા લડવા કાજ મળ્યા,
કોણ કોણ રણમાં મળ્યા જોઉં આજ જરા.23
સંજય કહે છેઃ
અર્જુનનાં વચનો સુણી શ્રી કૃષ્ણે જલદી
બંને સેના મધ્યમાં રથ રાખ્યો પકડી.24
ભીષ્મ દ્રોણ જેવા ઘણા રાજા જેમાં છે,
જો કૌરવ સેના ઊભી પાર્થ, બરાબર તે. 25 
પિતા પિતામહ ને ગુરુ મામા ને ભાઈ,
પુત્ર પૌત્ર મિત્રો વળી સ્નેહી હિતકારી.26
એવા જોઇ સ્વજનને કરૂણતા ધારી,
બોલ્યો અર્જુન શોકથી ખિન્ન થઈ વાણી.27
અર્જુન કહે છેઃ
સસરા તેમજ સ્વજનને રણમાંહી જોઈ,
દ્રવે નહીં એવો હશે કઠોર જન કોઈ.28
અંગ શિથિલ મારું થતું વદન સુકાઈ જાય,
શરીર કંપે, શોકથી રોમાંચ મને થાય.29
ધનુષ હાથથી સરકતું, દાહ ત્વચામાં થાય,
ચિત્ત ભમે, મારા થકી ના જ ઉભા રહેવાય.30
લક્ષણ દેખાયે મને અમંગલ બધાંયે
સ્વજનોને માર્યે નહીં મંગલ કૈં થાયે.31
વિજય રાજ્ય સુખ ના ચહું, કૃષ્ણ ખરેખર હું
રાજ્ય ભોગ જીવન મળે અનંત તોયે શું.32
જેને માટે રાજ્ય ને વૈભવ સુખ ચહીયે,
પ્રાણ તજી રણમાં ઊભા સુખને છોડી તે.33
પિતૃ તેમ આચાર્ય ને પુત્ર, પિતામહ આ,
સસરા મામા પૌત્ર ને સંબધી સઘળા.34
ત્રિલોક કાજે તે હણે, હણું ન તો યે હું,
પૃથ્વી માટે તો પછી હણું તેમને શું?.35
કૌરવને માર્યા થકી મંગલ શું મળશે ?
આતતાયીને મારતાં અમને પાપ થશે.36
બંધુજનોને મારવા છાજે ના અમને.
સ્વજનોને માર્યે મળ્યે મંગલ શું અમને ?.37
લોભ થકી નાસી ગઈ બુધ્ધિ કૌરવની,
મિત્ર દ્રોહ કુલનાશનું દેખે પાપ નહીં.38
પરંતુ કુલના નાશનો દોષ દૂર કરવા,
અમે ચહીએ કેમ ના જાણ છતાં તરવા.39
કુલના નાશે થાય છે કુલધર્મનો નાશ,
ધર્મ જતાં કુલ કયાં રહ્યું, અધર્મ વ્યાપે ખાસ.40
કુલની સ્ત્રીમાં આવતો અધર્મથી તો દોષ,
સંકર સંતાનો તણો તેથી થાયે કોષ.41
સંકર સંતાનો થકી કુલ તો નરકે જાય,
શ્રાધ્ધ થાય ના પિતૃનું, પતન તેમનું થાય.42
કુલિન સંકર લોકના દોષોથી નાસે
જાતિકુલતણા ધર્મ ને દુઃખ સદા વાસે.43
ધર્મભ્રષ્ટનો નરકમાં સદા થાય છે વાસ,
એમ સાંભળ્યું છે અમે ઉત્તમ જનથી ખાસ.44
મળ્યા રાજ્યના લોભથી સ્વજનોને હણવા,
પાપ કર્મ તે તો ખરે, મળ્યા અમે કરવા.45
તેથી તો છે શ્રેષ્ઠ કે કરું સામનો ના,
શસ્ત્ર વિનાનો છો હણે મુજને કૌરવ આ.46


સંજય કહે છેઃ

એમ કહી બેસી ગયો રથમાં પાર્થ પ્રવીણ,
ધનુષ બાણ મૂકી દઈ, થઈ શોકમાં લીન. 47